કેવી રીતે રેમોની પત્નીએ 105 કિલોમાંથી 65 કિલો વજન કર્યું? આ હતો તેનો ડાયટ પ્લાન

રેમો ડિસોઝાએ પત્ની લિઝેલની તસવીર હાલમાં જ સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં લિઝેલનું ટ્રાન્સફોર્મેશન જોઈને માત્ર ચાહકો જ નહીં સેલેબ્સ પણ ચમકી ગયા હતા. લિઝેલે 40 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. હવે લિઝેલે પોતાની આ વેઇટ જર્ની અંગે વાત કરી હતી. લિઝેલે કહ્યું કે ડિસેમ્બર, 2018માં મેં નક્કી કર્યું કે હવે હું વજન ઘટાડીને જ રહીશ. મેં તરત જ મારા ટ્રેનર પ્રવીણ નાયરને મેસેજ કર્યો હતો કે જ્યાં સુધી તું મારું વજન ઘટાડીને નહીં બતાવે ત્યાં સુધી હું તને બેસ્ટ ટ્રેનર માનવા તૈયાર નથી.

રેમોની પત્ની લિઝેલે જણાવ્યું કે જાન્યુઆરી, 2019માં તેણે મને ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવાનું કહ્યું. તે સમયે હું ‘સ્ટ્રીટ ડાન્સર’ના શૂટિંગ માટે લંડનમાં હતી. જાન્યુઆરી, 2019થી મેં ડાયટિંગ કરવાનું શરૂ કર્યું અને કાર્બ્સ લેવાના બંધ કરી દીધા. હું પહેલાં 15 કલાક સુધી ભૂખી રહેતી હતી, પછી મેં 16 કલાક સુધી ભૂખ્યા રહેવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેનરની પત્ની મહેક એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની સાથે લંડનમાં રહેતી હતી. તેથી જ તે મારા ડાયટ પર બરોબરની નજર રાખતી હતી. પહેલાં વર્ષે મેં 15-20 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું.’

લિઝેલે આગળ કહ્યું હતું, ‘જૂન મહિનામાં મેં વેઇટ ટ્રેનિંગ તથા ડાયટ પર ભાર મૂક્યો હતો. લોકોએ પણ મારું વજન ઘટ્યું હોવાની વાત ધ્યાનમાં લીધી હતી. અમારા ઘરમાં જિમ સેટઅપ હોવાથી લૉકડાઉનમાં હું વર્ક આઉટ કરતી હતી. હું વેઇટ ટ્રેનિંગ તથા ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરતી હતી. હું માત્ર ઘરે બનાવેલું ભોજન જ લેતી હતી. રેમો તથા હું બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ચાલવા જતા હતા. હવે હું 18-20 કલાક સુધી ભૂખી રહેતી હતી. માત્ર એક જ ટાઇમ જમતી હતી. ચીટ ડે મારા માટે કોઈ ઉત્સવથી ઓછો નહોતો. મને પિત્ઝા કે બર્ગર બહુ ભાવતા નથી. હું ચાટ, પાણીપુરી તથા સિંધિ કઢી વધારે પસંદ કરું છું. હું કીટો ડાયટ પણ કરતી હતી. હું કીટો આઇસક્રીમ તથા કીટો પિત્ઝા ખાતી હતી.’

લિઝેલે જણાવ્યું હતું, ‘અનેક લોકોએ ડાયટ અંગે વિવિધ સલાહ આપી હતી. દરેકના અલગ અલગ દૃષ્ટિકોણ હતા. જોકે, હું માનું છું કે તમારું બૉડી કેવી રીતે રિએક્ટ કરે છે, તેના આધારે ડાયટ કરવું જોઈએ. વેઇટ લોસ જર્નીમાં મારા ધ્યાનમાં એ વાત આવી કે અનેક લોકો ડાયટ દરમિયાન વિવિધ કૉમ્બિનેશન કરતા હોવાની ભૂલો કરે છે. ગયા વર્ષે રેમો બીમાર પડ્યો પછી મેં કીટો ડાયટ બંધ કરી દીધું હતું. મેં લિક્વિડ ડાયટ, કેલરી ઓછી લેવી તથા અન્ય ઘણું ટ્રાય કર્યું હતું. પછી મને લાગ્યું કે કીટો ડાયટે બેસ્ટ કામ કર્યું છે, તેમાં ફેટ વધુ હોય છે, પરંતુ તમારે ગ્રીક યોગર્ટ, અવાકાડો ખાવાનું હોય છે. કીટો ડાયટથી મારું વજન 8-9 કિલો ઘટી ગયું હતું. તમે માત્ર ત્રણ મહિના ડાયટ કરીને પછી બંધ કરી શકતા નથી. મેં પણ આ જ ભૂલ કરી હતી. જોકે, હવે મને ખ્યાલ આવી ગયો છે કે આને કેવી રીતે મેનેજ કરવાનું છે. હું 105માંથી 65 કિલોની થઈ.’

‘ગયા વર્ષે રેમો બીમાર પડ્યો હતો અને મારું વજન છ કિલો વધી ગયું હતું, પરંતુ હું વજન ઘટાડી દઈશ. રેમોને હૃદયની બીમારી થતાં દરેક લોકો મને કહેવા લાગ્યા કે ‘તું કીટો ડાયટ પર છે અને તેમાં ફેટ વધારે હોય છે.’ વેક્સિન લીધા બાદ લોકો મને ડરાવવા લાગ્યા કે ‘લોહી જાડું થાય છે અને તું પાછી કીટો ડાયટ પર છે.’ આ બધી વાતો સાંભળ્યા બાદ મેં ડાયટમાં થોડી ઢીલ મૂકી હતી. કોરોના અને લોકોની વાતો સાંભળ્યા બાદ મેં ડાયટ કરવાનું થોડું ઓછું કર્યું હતું. આટલું જ નહીં તમારી બૉડી પણ કંઈક ખોટું થઈ રહ્યાનું સિગ્નલ આપતી હોય છે. મને વર્ટિગોની બીમારી થઈ હતી, મને લાગ્યું કે મારા સ્ટ્રિક્ટ ડાયટને કારણે જ આમ થયું છે. આથી મેં ડાયટ થોડું ઓછું કરી નાખ્યું હતું. ગણપતિ સેલિબ્રેશન દરમિયાન ત્રણ દિવસ મેં ડાયટ કર્યું નહોતું.’

છેલ્લે લિઝેલે કહ્યું હતું, ‘રેમોને ખ્યાલ છે કે હું એકવાર નક્કી કરી લઉં, પછી તે કરીને બતાવું છું. બસ એકવાર મને તે વાતનો અહેસાસ થવો જોઈએ. મારા માટે વજન ઉતારવું એક પડકાર હતો અને તે મેં સ્વીકાર્યો હતો. 2018માં હું ડૉ.મુફ્ફી (મુફ્ફઝલ લાકડાવાલા)ને બેરિએટ્રિક સર્જરી માટે મળી હતી. જોકે, પછી મેં નક્કી કર્યું કે હું સર્જરી નહીં કરાવું, પરંતુ ગેસ્ટ્રિક બલૂન કરાવીશ. ડૉક્ટરે એમ કહ્યું હતું કે આ કરાવ્યા બાદ ફરી પાછું મારું વજન વધી જશે. તે સમયે મારી ક્લોઝ ફ્રેન્ડ સાથે હતી અને તે આની વિરુદ્ધમાં હતી. ત્યારબાદ મેં ડાયટ તથા વર્કઆઉટથી વજન ઘટાડવાનો નિર્ણય કર્યો. મને ખ્યાલ છે કે મારા બે સિઝેરિયન થયેલાં છે અને હું પહેલાં જેવી ક્યારેય દેખાઈ શકીશ નહીં. ડિસેમ્બર, 2021 સુધીમાં હજી 10 કિલો જેટલું વજન ઘટાડવાનો પ્લાન છે. ત્યારબાદ હું ટમી ટક સર્જરી કરાવીશ. મારી આ સફરમાં મને રેમો તથા બંને બાળકોએ સાથ આપ્યો છે.’

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *